27 DEC 2018 AT 22:54

યાદો ના ટોડલે આંસુ ના તોરણ બંધાય તો થાય પ્રેમ,
બે પળનીય પ્રતીક્ષા વધે ને જીવલડો મુંજાય તો થાય પ્રેમ...
મળે નહીં નયન થી નયન ભલે ને વર્ષો સુધી,
છતાં એકમેકમાં રહી એકમેક ના થવાય તો થાય પ્રેમ...

વિદાયની વસમી યાદો ને ઘોળી ને પીવાય તો થાય પ્રેમ,
અંતરથી એકમેકના થઈ ને જીવાય તો થાય પ્રેમ...
ભલે ને પરસ્પર ના દેહ મળે કે ના મળે,
કહેવાતો લાગણીભર્યો આ સંબંધ સચવાય તો થાય પ્રેમ...

એ આપ્તજન ની સામે વગર કહ્યે હૈયું ઠલવાય તો થાય પ્રેમ,
સોંપી દીધા પછી એને સર્વસ્વ,કઈ ના લાજવાય તો થાય પ્રેમ...
એની પ્રાપ્તિ હશે કે નહીં મારા પ્રારબ્ધમાં,
એ વિચારે વહી જતા આંસુ,ગાલ પર લપાય તો થાય પ્રેમ...

નાચ ન જાણે આ નશ્વર દેહ,મન થી નચાય તો થાય પ્રેમ,
વાંચન ભલે ન આવડે,ઢાઈ અક્ષર પ્રેમ ના વંચાય તો થાય પ્રેમ...
"અશાંત"ના હૃદય માં તો કોઈ દિ આમ થયું નથી,
પણ સૌના હૃદયમાં પ્રીત નો આ તહેવાર ઉજવાય તો થાય પ્રેમ....

વોરા આનંદબાબુ....

લખ્યા તારીખ-11/11/09...3.56 A.M...બુધવાર...

- વોરા આનંદબાબુ"અશાંત"