બે વ્યકિતઓએ કાયમ બોલવું જ એ જરૂરી નથી,
ક્યારેક સાથે હોવું પણ પૂરતું અને અગત્યનું છે.
ત્યારે સંવાદની જવાબદારી મૌનનાં ભાગે આવે.
મૌન પોતે એક સંવાદ છે.
અને આ મૌનની હાજરીમાં, વ્યક્તિની ફક્ત હાજરી જ પૂરતી છે.
પણ આ મૌનને સમજી શકે એવી વ્યક્તિ પોતાનામાં એક અપવાદ છે!
છેવટે તો બધો ખેલ સંવાદ અને અપવાદનો ખરો.
શું લાગે છે ?...
-
થારી-વાડકાવાળી સ્કૂલ, ગુલમહોર અને શિયાળાનો આઇડેન્ટિટી ક્રાઈસીસ...
-
સૂર્યપ્રકાશની પૂરતી આપૂર્તિનાં અભાવમાં કરમાયેલો છોડ,
એટલે
છોડનું ડિપ્રેશન...!
તેમજ,
વાદળોની અવળચંડાઈ સામે મૂંગો વિરોધ.
માનવસ્વભાવની ચાડી ખાતો
આટલી હદે પ્રકૃતિમય દાખલો,
મને ' બીજે ' અને ' બીજો ' જડતો નથી !
-
અર્જુનાવસ્થાથી કૃષ્ણાવસ્થા ભણીની,
મધ્યાવસ્થા પ્રાપ્તિનો અહર્નિશ પ્રયાસ...
-
પવિત્ર શ્રાવણ માસ એટલે મોક્ષનાં દેવ મહાદેવ અને
જેનાં સ્વરૂપનો મોહ થઈ જવા પામે એવા મારા મધુસૂદન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ.
શ્રાવણ એટલે તો તાંડવનાં તાનમાં અને મોહનના મોહમાં મસ્ત થવું.
મારે મન શ્રાવણનાં સરવરિયા એટલે
લાલાના જન્મોત્સવની આરતીનાં પ્રસાદમાં અપાતું પંચામૃત અને
વરસાદનાં વિરામથી ઊડતી ધૂળ એટલે પંજીરી.
આવા દિવસોમાં પણ જો કોઈ કૃષ્ણમય અને રુદ્રમય ન થઈ શકતું હોય
તો ભર વરસાદે એના જેટલી શુષ્કતા સૃષ્ટિમાં જડવી મુશ્કેલ...!-
સોશ્યલ મીડિયા ને હું મારો ' વિચારદૂત ' કહેવાનું પસંદ કરીશ.
અદના માનવીની આ શોધ તો મારે સારું ' વિચારોનું વિમાન ' બન્યું
અને આ વિમાનમાં અમાપ - અગણિત વિચારોની દુનિયામાં વિહરવા પામ્યો.
આ ' વિચારદૂત ', વિચારોની આપ-લે માટેનો ' વિચારસેતુ ' બની ગયો છે.
બસ એક મહેચ્છા ખરી કે આ વિચારસેતુને,
શ્રીકૃષ્ણની કૃપાથી
વિચારોનાં સમુદ્રમાં તરબોળ,
એવો ' કૃષ્ણસેતુ ' બનાવી શકું,
તો તો...જય કનૈયા લાલકી!
-
ઘૂસણખોરીને કાયમ વખોડવી, એ એનામાં ગર્ભિત એવાં
જીવનથી તરબતર ' પ્રચ્છન્ન ' તત્વને તિરસ્કૃત કરવા બરાબર છે.
મારું વડોદરું પણ આજે
આવી એક ઘૂસણખોરીથી ' પુરસ્કૃત ' થવા પામ્યું.
આ ઘૂસણખોર એટલે...' મધુસૂદનનો મેહુલિયો '
-