મોટાબેનને દેવભૂમિ હરિદ્વારની
श्रीमद्भगवद् कथामां
અમારા સૌ વતી શુભકામના
Happy journey-
ગુલમ્હોર ને ગરમાળો , ખીલે ભર ઉનાળે !
એમ જીવે જે જીંદગી, એજ ભવ ઉજાળે !
મહેન્દ્ર પંડ્યા 'નાદ'-
कवन सो काज कठिन जग माहीं।
जो नहीं होई तात तुम्ह पाहीं ।।
किष्किन्धाकांड
रामचरितमानस
-
'ઑજ અટારી'
જીવન વન ઉપવનને જેણે એક ગણી રોજ સજાવ્યુ,
આવે મારે દ્વારે એ સજવા સેજ સવારી ખોલો.
જીવન અમિરસને પ્રેમે ઘોળ્યો હે ! પૂરણ પરમાત્મા.
એ આતમને નીરખવા ઓજસ આંખ અમારી ખોલો.
પ્રેમલ દિપ ઝળહળતો હર દિન રે દીઠો હે! જગદાતા.
પાવન જીવના પૂણ્ય પ્રગટવા પાક પટારી ખોલો.
ભવસાગરનો ભારો માથે હળવો ફુલ ક્યાંક કિનારો.
ખંભે નાખ્યું જીવન ઉંચકવા ઑજ અટારી ખોલો.
ડગમગતી નૈયા જેણે , હે ! વિભુ પ્રેમે પાર લગાવી ,
પગને પડછાયે , પંથ વિહરવા વાટ તમારી ખોલો.
મહેન્દ્ર પંડ્યા 'નાદ' (ગઝલ 15ગા)(woh. first)
-
'પ્રતિક્ષા'.. (સોનેટ ,છંદ :અનુષ્ટુપ)
રામ, વિરહમાં એવાં , સિય સિય કહી ફરે,
અને અશ્રુ ભીની આંખે, ગિરી નદી કને ફરે
પૂછે, પાંદડા વેલીને ! દીઠી મમ પ્રિયા તમે ?
હે મૃગનયની આવો,હે પ્રિયે કાં રુઠ્યા તમે,
રામ લખન બે ભાઈ , શોધે વિચરતા વને,
વિરહ વેગે વાયો છે , પંપાસરોવરે વને.
આશ્રમ એક સામે છે, ફળ ફૂલ હતાં તહીં,
શબરી વૃધ્ધ યોગીની,રાહ જોતી સદા સખી
રોજ શબરી રાહે છે , નેજા કરી ફરી ફરી,
સમર્પણ કેવું હશે! રામ આવ્યા અહીં ફરી.
બોર મીઠડા વીણીને, શબરી રોજ લાવતી,
બોર એઠાં !કરી મીઠાં,આજ કેવાં જમાડતી
પ્રેમલક્ષણા પૂરે છે, પ્રતિક્ષા આજ રામની,
નવધાભક્તિ પામે છે, શબરી રામનામની.
મહેન્દ્ર પંડ્યા 'નાદ'-
"લ્યો ને કહું" ગઝલ છંદ.. રમલ ૨૬
સાંજ છૂટે ક્ષણ પલાંઠી વાળતાં ! લ્યો ને કહું,
થાય મોડું , ને અધૂરી વારતા ! લ્યો ને કહું.
સત્ય સાથે પ્રેમ મય કરુણા ભળી છે કાયમી ,
રામ સીતા સમ સવાયા લાગતાં ! લ્યો ને કહું.
એ કિનારો સત્ય કેરો પૂછતો મઝધારને,
ડૂબતાને હાથ દીધા તારવા ! લ્યો ને કહું.
ને સહેલી ક્યાં હતી બાજી ગણો જો પ્રેમની,
રે રમતમાં જીત સામે હારતાં ! લ્યો ને કહું.
ને જણાવું તો સદા સંગાથ કરુણા ક્યારની,
એ પળોને પ્રેમથી પંપાળતાં ! લ્યો ને કહું.
પ્રેમ પાળી ને સજાવી સ્નેહ ઓ રે આવતાં,
આગને ના વાર લાગી ઠારતા ! લ્યો ને કહું.
કોઇ કાચાં તાંતણે તાણી ! તમે બોલાવજો,
હાલ મનવા રામ સીતા રાચતાં ! લ્યો ને કહું.
મહેન્દ્ર પંડ્યા 'નાદ'-
લે દલડુ ! લે મનડું ! લે લાગણીઓથી લીપ્યુ,
નેવે પાણી નીતરી , પલળી આંસુડાથી ભીત્યુ,
સાજણ આવી સોણલે, કે'તા લે હવે કર પ્રિત્યુ.
ઉર્મિગીત
મહેન્દ્ર પંડ્યા 'નાદ'
-
લાગ્યો રે રંગ ! સજન સઘળો નેહના રંગ જેવો,
બીજો તે નૈ ! તન પર ચડે ! અંગને રંગ એવો.
"રંગોત્સવ"(મંદાક્રાંતા)
મહેન્દ્ર પંડ્યા 'નાદ'-
આકાશેથી સુરજ પથ પીળા થયા સાંજ જાણી,
સંધ્યાના રંગ ! લટ લુમખે તારલે તેજ તાણી.
તેજે ખીલ્યા ! તન મન તણાં ફૂલના રંગ કેવાં,
રંગે રંગ્યા ! સજન શમણાં સાંજના સંગ જેવા.
"રંગોત્સવ"(મંદાક્રાંતા)
મહેન્દ્ર પંડ્યા 'નાદ'-
લીલા રંગે લચક ! વનવેલી વળી વ્હાલ લાવી,
ખોબે ધોબે હરિત હઠ લૈ ગાલની ગોખ વાવી.
અંગે સોહે સજધજ ! શુભ્ર રંગ લૈ પારિજાતે,
મોહે રંગે ! કમલ નયને તીરછી નેણ થાતે.
'રંગોત્સવ' (મંદાક્રાંતા)
મહેન્દ્ર પંડ્યા 'નાદ'-