Harshad Patel   (Harshad Patel "સોક્રેટીસ)
34 Followers · 54 Following

Joined 22 February 2020


Joined 22 February 2020
26 JAN 2023 AT 18:41

# અનરાધાર..!!

ડિયર જિંદગી...
તમે બૂંદ બૂંદ ટપકાવો, અમે એમાં જ વાદળ માનશું;
અનરાધાર તો આંખે આવે છે, વાદળને ક્યાં રાખશું?

ટપકે છે નેજવા નેવાય ચૂવે, હીબકે છે સંગ ફળિયુંય;
તારા છે મારા છે, પણ આ ખારા વહેણ કેમ ચાખશું.

આભથી ઉતર્યા નેવેથી નિતર્યા, ભીંત ભીંજવી રાખે;
એતો વહેતી આવે, ભઇ એને ભીતરમાં ક્યાં નાંખશું.

પડ્યાં છે વ્હાલમનાં વ્હાલમાં, ઘાવ લાગ્યાં ભાલમાં;
આપ્યાં છે ઘાવ 'ને ખાધા છે ભાવ, હવે કેમ ભાવશું.

લ્યો સ્વીકારો મારો પ્રેમ, વરસતો આવું ભર્યા વાદળે;
હવે આ અંતરનાં નભને, છેતરી છેતરીને ક્યાં ફાવશું.

-


26 JAN 2023 AT 18:38

# ઘૂંઘટનો મલકાટ..!!

ડિયર જિંદગી...
મારું હૃદય ખાલી જ ક્યાં છે, એ આવી ભરાણી છે;
યાદો એની તરોતાજા રાખું ભલે એ જરી પુરાણી છે.

મુશ્કેટાટ મુઠ્ઠીમાં બાંધું કે, મુકું હૈયામાં રમણી રમતી;
અંતમાં ભીની હથેળીમાં અનંત ઊર્મિ ઉભરાણી છે.

વિરહ ખૂટયું, ધીરજ ખૂટી 'ને ખૂટી પડી મિલન ઘડી;
આવ્યા અંતરે અનંત થૈ, અંતે આંખો છલકાણી છે.

હૃદયસ્થ કરી, હૃદયરાણી કરી, કરી એને રાતરાણી;
એય ભરવા ભીનું પાણિયારું, વિચારી હરખાણી છે.

અધરને અધર ધર્યા'તા, વગર વરમાળે ફેરા ફર્યા'તા;
લગાવી છાતીએ તો છાતીમાં જ બહું ગભરાણી છે.

નજર કરો, નજરઅંદાજ કરો, નજર તો લાગશે જ;
દિલનાં દાંતે ચોંટી છે, લાગે કોઈએ બહું વખાણી છે.

લ્યો, હેતમાં છું, ભેટમાં છું, છું ભવોભવનો ભરથાર;
અરે ! હર્ષઘેલી ઓઢી પાનેતર ઘૂંઘટમાં મલકાણી છે.

-


26 JAN 2023 AT 18:32

# પ્રિય આંસુ..!!

ડિયર જિંદગી...
ગમતાનાં ગીત ગાવ છો, કહો કોનાં મિત થાવ છો ?
વગર વહાલે કેમ અંતરમાં આમ અમિટ થાવ છો.!!

લાકડે માકડું, આકડે મધ અને હોય કાગડે દહીંધરું;
હું ઊર્મિશીલ ને તમે અંતરમાં, ખૂબ ફીટ થાવ છો.!!

અંતર, આંખો કે હોય અંતિમ આંસુ, અંગત ગણી;
ખૂબ સાચવી રાખું સ્નેહથી, એવાં પ્રિત થાવ છો..!!

આપો હૃદયને હૂંફાળી ઠંડક અને આંખે ઉના આંસુ ?
થોડું ધબકવા ને થોડું ઉગવા કેટલાં શીત થાવ છો..!!

કેમ આવું પાંપણ પાળે નાનકડી આંખ કેટલું ખાળે ?
હસતાં રહો રડતી આંખે તમે મારું હિત થાવ છો..!!

-


26 JAN 2023 AT 18:27

# કોરું પાનેતર..!!

ડિયર જિંદગી...
કાગળની સફેદીને શ્યાહીનું ગ્રહણ લાગ્યું કેમ કહું ?
બેરંગ વસંતને, જીવંત પાનખર જીવ ધરે એમ કહું.!

ને અલિખિત કાગળ, કંકાલી કંગાલ ભાસે કેમ કહું ?
ભરાવદાર શબ્દથી એકવડીયો અક્ષર વરે તેમ કહું.!

કાગળીયા રૂપને બટકા ભરવા હશે કલમને કેમ કહું ?
કાખમાં કાગળનાં મરોડદાર છોરુને જ કરે હેમ કહું.!

સમાવે સૌની ગંદકી એજ સફેદીને શાપિત કેમ કહું ?
રંગવિહીનની રંગીની 'ને આશીર્વાદ કુશળ ક્ષેમ કહું.!

સ્વયં લાગે છે વિધવા જેવો 'ને વિધુરને ભીંજવતો;
શબ્દોનું પાનેતર તો અક્ષરની ઓઢણી હેમખેમ કહું.!

-


26 JAN 2023 AT 18:23

# અશ્રુવાણી..!!

ડિયર જિંદગી...
ઢળવું છે પણ ઢાળ નથી, માથે કોઈ માળ નથી;
અંતરનાં આંસુને યાર, રોકનાર કોઈ પાળ નથી.

થીજેલા કે વહેતા આંસુ, કેટ કેટલું કહેતા આંસુ;
ગાલે સૂકા લીસોટે શું લાગણીની કોઈ લાળ નથી?

તરતા મૂક્યા, સરતા મૂક્યા, મૂક્યા મોટપ જાણી;
સપનાને ખંખેરી દે એ પાંપણને કોઈ સંભાળ નથી.

હૃદયનું ઝેર ઝાકળ થાય 'ને છે અમૃત અશ્રુબિન્દુ;
વહેતાં રાખું શાંત ઝરૂખે, મારે કોઈ દુષ્કાળ નથી.

હું જ હસું છું હું જ રડું છું આંસુની આ વાત નથી;
છે મારા જ છતાં એમાં, મારી જ કોઈ ભાળ નથી.

-


26 JAN 2023 AT 18:19

# નથી નથી નથી..!!

ડિયર જિંદગી...
બાંધવાથી કાંઈ બંધાતું નથી,
તૂટેલું સાવ સંધાતું નથી;
અને હોય છે ભરેલા ભંડાર,
છતાંય કાંઇ રંધાતું નથી.

આશીર્વાદ પામવા પણ શ્રાપ-
શિરોધાર્ય કરવો પડે છે;
જન્મજાત કવચ હોવા છતાં,
એમ જ કોઈ ઘવાતું નથી.

સળગતું રાખવા હૃદયને એ,
શાતા આપવા આંસુ થ્યા;
ઉભરાઇ છે અસ્તિત્વમાં એ,
ખારા અશ્રુને પીવાતું નથી.

હાથીપગા છે પેટ સૌનાં 'ને;
ભૂખ્યો ભેગો ભ્રષ્ટાચાર;
લે ! છાતી પેટ એક જેવાને;
છે ખાવું છતાં ખવાતું નથી.!!

હાંસિયામાં રાખો કે રાખો,
હસ્તાક્ષરમાં હેતાર્ષને તમે;
રોજ ખોતરે છે અક્ષરોથી,
એ ઘાવ કેમ ગંધાતું નથી.?

-


26 JAN 2023 AT 18:16

# પ્રશંસનીય ફતવો..!!

ડિયર જિંદગી...
પ્રશંસા પણ પથ્થર જેવી હશે, કાળજું કંપાવે છે;
'ને જીતુ છું છતાંય, એક ફૂલ પથ્થરને હંફાવે છે.!!

કોને નમન કરવું હવે હાથ જોડી નમાવી મસ્તક?
અંતરનું આભ ખૂંદીને, ખૂદને ખુદામાં ખપાવે છે.!!

પુરાવા ન્થ કે નથી યાદો કેરા કોઈ લીસોટા હવે;
તડપ મિલનની હશે એથી જ દિલને તડપાવે છે.!!

ભવોભવની લગાવી'તી અતૂટ ગાંઠ પાનેતરમાં ને-
એ ઊર્મિ નિચોવી, ફારગતીનાં ફતવા છપાવે છે.!!

માન્યું કે ભૂલથી હથેળીમાં હસ્તાક્ષર થઈ ગયેલ;
અવળું ફરીને ઉભા છે, છતાં કેમ ગળે લગાવે છે ?

-


26 JAN 2023 AT 12:38

# અળખામણી..!!

ડિયર જિંદગી...
છોકરીની જાત હતી ને નાજૂક નમણી નાર હતી;
પુરુષ હંફાવવા, એની વાતમાં બમણી ધાર હતી.

આંસુ પાઈ કરી ધારદાર, પાણીદાર તો હતી જ;
હતી બંધ છતાંય, નજર જમણી આરપાર હતી.

વળગીને શું સાબિત કરું ? એને પ્રેમ નહીં હોય ?
અવગણનામાંય એની લાગણી ભારોભાર હતી.

નસીબદાર છું કહેતી ફરતી, નસીબને નમતું કરી;
એ ઠુકરાવે ભાગ્યને એવી અભાગણી નાર હતી.!

અંધકાર છે, છો રહ્યોં ! ઉજાસ છે અળખામણો;
બત્રીસે દીવા કરે એવી ચોસઠ જોગણી યાર હતી.

-


26 JAN 2023 AT 12:34

# મખમલી મેળાપ..!!

ડિયર જિંદગી...
કૂણા મખમલી સપનાને પડે છે ઉકળતી લાગણીમાં તળવા;
એજ સપનાને ઠારવા આવવું પડે આંસુંને અકાળે મળવા.!

રડવાં માટેય આધાર જોઈએ આંસુઓને આંખે ચડવા;
આવતાં હોય છે એ આંસુ સતત પાંપણે કોઈને મળવાં.!

ચડે છે છેક હૃદયથી આંખો સુધી ભરવા કૂવો કપાળનો;
નીતરતી જાત નિચોવી લાવે છે સ્વયં એ આંસુ બળવા.!

અંતરમાં ઉભરાય છે 'ને ખુદથી જ એ ખૂબ ગભરાય છે;
છતાં આપી સપનાને હામ, પોતે પાંપણમાં લાગે ગળવા.!

પારકા ગણી હડસેલી દે, પાંપણ પાળે પોતાનાં જ અહીં;
અને પોતાનાં જ નથી દેતા, કોઈ સાથે ભીતરથી ભળવા.!

-


26 JAN 2023 AT 12:31

# આત્મનિર્ભર..!!

ડિયર જિંદગી...
સોક્રેટીસ ઉવાચ : "આપણા વિચારો જ આપણી દુનિયા હોય છે. સત્ય તો એ છે કે અંતે એજ વિચારોને વ્યક્તિનું ખીસ્સું પ્રભાવિત કરે છે અને અફસોસની વાત એ કે, ખાલી ખીસ્સું વિચારો પર હાવી થઈ જાય છે. ખીસ્સું ભરેલું હશે તો વિચારો પણ ભરાવદાર રહેશે; અન્યથા એને પણ કુપોષણનો રોગ લાગી જાય છે..!!"

ટૂંકમાં, "તમે ગમે તેટલા આત્મનિર્ભર હોવા છતાંય તમારી દુનિયા તમારા ખીસ્સા પર નિર્ભર છે..!!"

-


Fetching Harshad Patel Quotes