ગગન આંબવાનું થયું રોજનું
ઘરે આવવાનું થયું રોજનું
ઊંચે ઊડવાનું થયું રોજનું
અને થાકવાનું થયું રોજનું
મને એટલે એની આદત પડી
વ્યથા માણવાનું થયું રોજનું
હવે કોઈ સન્માન ક્યાંથી મળે
અહીં આવવાનું થયું રોજનું
હવે હૂંફ મળતી નથી કોઈને
ગળે લાગવાનું થયું રોજનું
ગમી જિંદગીની બધી આફતો
નવું જાણવાનું થયું રોજનું
પછી ચાહવાનું રહ્યું ના કશું
તને ચાહવાનું થયું રોજનું
ભલે કામ મારું નકામું ગણો
હૃદય સાંધવાનું થયું રોજનું
મને 'અક્ષ' ભૂલો ગણાવો નહીં
દયા રાખવાનું થયું રોજનું
- અક્ષય ધામેચા-
I'm on Instagram as @akshaydhamecha
માથે ચડશે દેખાદેખી
ભારે પડશે દેખાદેખી
આગળ જાવા મથશો ત્યારે
રસ્તે નડશે દેખાદેખી
કેવી ભ્રમણામાં જીવો છો
તમને રડશે દેખાદેખી
જે કંઇ થાશે જોયું જાશે
સૌને લડશે દેખાદેખી
સોના ચાંદી હીરા મોતી
શું યે જડશે દેખાદેખી
માટીમાંથી પથ્થર થાશું
જ્યારે અડશે દેખાદેખી
સમર્પણનો ભાવ ઉપજશે
જ્યારે સડશે દેખાદેખી
ચિંતા છોડો ઘડતરની, અક્ષ
હાથે ઘડશે દેખાદેખી
- અક્ષય ધામેચા-
તમારા સિરે જો રમે મોર પીછું
બધાને થવાનું ગમે મોર પીંછું
હવા પણ જો ધારે ખસાવી શકે ના
સતત કોને કાજે ભમે મોર પીંછું
છતાં પણ ન પોતાની રંગત એ છોડે
ઉદાસીને ભીતર સમે મોર પીંછું
જરા પણ અહમ ના સ્વભાવે એ રાખે
ઘણે સત્વ સામે નમે મોર પીંછું
કદી પીરસે બંસરી સૂર સંગીત
ઘણે શોખ સાથે જમે મોર પીંછું
ત્વચાથી અલગ થઇ સિરે શોભવાને
ઘડી બે ઘડી ના થમે મોર પીંછું
પછી અક્ષ, એને મળે મોખરે સ્થાન
વ્યથા દુઃખ પીડા ખમે મોર પીંછું
- અક્ષય ધામેચા-
'તું નથી' ની વાત છે
દિલ મહીં આઘાત છે
એકલું લાગે નહીં
દર્દની સોગાત છે
- અક્ષય ધામેચા-
સંબંધ સાચવી ન શક્યા આંસુઓ પછી
છેલ્લો હતો પ્રયાસ અને વ્યર્થ થઇ ગયો
- અક્ષય ધામેચા-
એમને ત્યાંથી એક હા માટે
હાથ ઊઠે છે પ્રાર્થના માટે
છે અમારી તલપ તો ચા માટે
કોણ વલખાં ભરે સુરા માટે
કૈંક તો ખાસ છે જ મારામાં
દ્વાર ખોલે છે તું બધા માટે
કોને તારો વિશેષ પ્રેમ હશે
કોણ છે જે રહે સદા માટે
મન મનાવી લઈશ એ રીતે
કોઈ આવ્યું હતું જવા માટે
બે ઘડી બેસવા નથી મળતું
આટલી દોડધામ શા માટે
આ દરિયો શું કામનો મારે
આંખ કાફી છે ડૂબવા માટે
એકનો એક હું સહારો છું
જીવવું છે હવે વ્યથા માટે
પ્રાણ પંખેરું તો ઉડી જાશે
અક્ષ ઝઘડો છો કા જગા માટે
- અક્ષય ધામેચા-
બોલી શકાય, કોઈની પરવા નથી કરી
કારણ ઘણાય, કોઈની પરવા નથી કરી
મારો અહમ નડે મને? તારી પણે નહીં
તારાં સિવાય, કોઈની પરવા નથી કરી
મારી નજરથી જોઉં છું નિજ જિંદગીને હું
બોલે બધાય, કોઈની પરવા નથી કરી
પરવા કરી કરી અહીં અડધા થઈ ગયા
મેણું છતાંય! કોઈની પરવા નથી કરી
આંખો તો અક્ષ આપતી હો સાબિતી ઘણે
એમ જ લખાય, કોઈની પરવા નથી કરી
- અક્ષય ધામેચા-
એક અંધારું બધે છાયું, બહુ સારું થયું
વાંચવાનું જ ના વંચાયું, બહુ સારું થયું
રિક્તતા તો સાથ આપે છે મને સારી રીતે
દુઃખ એની સાથ ખોલાયું, બહુ સારું થયું
તું સમયસર આફતો આપ્યા કરે છે એટલે
કોણ કેવું છે એ પરખાયું, બહુ સારું થયું
ભાર એનો દિલ મહીં કોને ખબર શું શું કરત
ભાવનાનું નીર છલકાયું, બહુ સારું થયું
કોઈ બીજું સાથ આપે કેમ દિલ ઓ જાનથી
મન વ્યથાનું ક્યાંક અટવાયું, બહુ સારું થયું
જિંદગી કારણ વિના વીતી ગઈ તો શું થયું
મોતનું કારણ ન સમજાયું, બહુ સારું થયું
- અક્ષય ધામેચા 'અક્ષ'-
एक ही तो मिरा ठिकाना था
क्यों तू ने उस को ही जलाना था
वक्त था तू थी आशियाना था
जो तिरे साथ था सुहाना था
ये नहीं हो सका न जाने क्यों
मैं ने भी दिल तिरा दुखाना था
काँच के जैसे हाथ से छूट गया
हाँ मिरे हाथ में ज़माना था
उम्र भर मैं ने जिस की चाहत की
वो किसी और का खज़ाना था
आज ही टूटना था चश्मे को
आज ही उस ने पास आना था
'अक्ष' तो कोई और है जानाॅं
मर गया जो तिरा दीवाना था-
સૌ પ્રથમ ઘર બારણું છૂટી ગયું,
એ પછી તો 'હું' પણું છૂટી ગયું.
કેટલાં વર્ષો પછી મળ્યા તમે?
આંખથી મોતી તણું છૂટી ગયું.
હક અદા કરતી થઈ સમજણ પછી,
કોઈનું પ્રેમી પણું છૂટી ગયું.
દોડમાં લાગ્યો કમાવાની અને,
નાની વયમાં આંગણું છૂટી ગયું.
'અક્ષ'ને અફસોસ બહુ મોડો થશે,
પામવા ખાતર ઘણું છૂટી ગયું.
- અક્ષય ધામેચા
-