વ્હાલનો વરસાદ આવે, તો પલળવું જોઈએ,
વાદળોની જેમ ધરતી સાથે ભળવું જોઈએ.
-
એક વિશ્વ...
જાણે આયનામાં દેખાતું..
મોહક , લલચામણુ.. આભાસી..
તોય
એમાં ભૂલા પડવું ગમતું...
મનપસંદ લાગણીની શોધમાં...
દુનિયાથી દૂર એક નવી દુનિયામાં...
મેઘધનુષ્યના રંગો સાથે રંગાવામા..
કારણ ?
મૃગજળ સમાન દોડતી ઝંખના !
જેમાં ભળીને અસ્તિત્વ ઓગળતુ...
અને એ વિશ્વમાં એકરૂપ થઈ જતું...
પછી
અચાનક એક ક્ષણમાં બધું ગાયબ..
હકીકત નામના પડછાયાની પાછળ..
ડો.સેજલ દેસાઈ.
-
વિરહ ની મીઠી વેદના
સોળ શણગાર સજીને બેઠી સખી,
પિયુ મિલનની દિલમાં રાખી આશ !
સઘળાં કામ છોડી ને આવી સખી ,
ફકત એક ઝલક પામવા ની પ્યાસ !
વિરહની વેદના તું શું જાણે સખી ,
આ દિલની ધડકન સંગ દોડે છે શ્ચાસ !
ચમકતી ચાંદની ખીલી ઉઠી છે સખી,
પૂનમની રાત છે આજ નહીં કે અમાસ !
રાતરાણીના ફૂલો ખીલ્યાં છે અહીં સખી,
આજ પિયુ મિલનનો છે મને વિશ્વાસ !
ડો.સેજલ દેસાઈ
-
સેવા પૂજા શું માંગે છે ભગવાન?
નારાયણ સેવા કરો તો પણ
આશિષ આપે છે ભગવાન!
આરતી કરો તો જ
શું રીઝે છે ભગવાન?
નિર્દોષ બાળકોના સ્મિત માં
પણ દર્શન આપે છે ભગવાન!
પુજારી બની ભક્તિ કરે એને જ
ફળ આપે છે ભગવાન?
આસ્થા હોય દિલમાં તો
કણ કણમાં છે ભગવાન!
ડો.સેજલ દેસાઈ
સુરત-
અરમાન
આત્મા તણી આ શક્તિનું અભિમાન શાથી તને જો !
ઈશ્વર તણી આ ભક્તિનું બહુમાન શાથી તને જો!
જાણ્યે અજાણ્યે એ પાપો જો આમ કર્યાં જીવનમાં,
કર્મો એવા તો,આત્માની મુક્તિનુ અરમાન શાથી તને જો ?
ડો.સેજલ દેસાઈ
સુરત
-
સંભારણા
કલમની શ્યાહી ભલે ને ખૂટી જાય..
સદ વિચારોનુ ઝરણું અવિરત વહે સદાય
પીંછીના રંગો જાય ભલે ને સૂકાય..
જીવન મેઘધનુષી રંગોથી રંગાય સદાય
વીણાના તાર છોને કેમેય તૂટી જાય..
જીવનમાં સુમધુર સંગીત રેલાય સદાય
સફરમાં સાથી ભલે ને વિખૂટાં પડી જાય..
એમની યાદોનાં સંભારણા અકબંધ રહે સદાય
ડો.સેજલ દેસાઈ
સુરત
૨૦/૦૪/૨૦૧૯-
ગઝલ
એ દવા સીધી અસર કરતી હશે,
જ્યાં દુવા પણ સાથમાં મળતી હશે.
ઝાંઝવાંનું છીછરું પાણી , છતાં,
આંખમાં ઈચ્છા ઘણી તરતી હશે.
ચાંદ, તારા ને ગ્રહો છે બેખબર,
તો દશા કોની તને નડતી હશે ?
છોકરાંનો ભાર માથે રાખતી,
મા ,પરાણે કેમ બહુ હસતી હશે?
ચોટ લાગે કેમ એ વાંચ્યા પછી?
લાગણીથી એ ગઝલ લખતી હશે.
શું મળે છે પંચતત્વો વેડફી ?
માણસોને પૂછતી ધરતી હશે.
આમ તો કરફ્યૂ લદાયો છે, છતાં,
રોજ અફવાઓ બધે ફરતી હશે.
Dr Sejal Desai
-
નવા વર્ષમા સારાં -માઠાં હાલ જાણી લઈએ,
ખાટા મીઠા સંબંધોમાં વ્હાલ વાવી દઈએ.
વિત્યા વર્ષની કડવી યાદો ,
નાની મોટી બધી ફરિયાદો,
કૅલેન્ડરનાં જૂના પાનાંની જેમ ફાડી દઈએ,
નવા વર્ષમા સારાં -માઠાં હાલ જાણી લઈએ.
ખાટા મીઠા સંબંધોમાં વ્હાલ વાવી દઈએ.
ચાની ચૂસકી સંગ હોય મીઠી વાતો,
અલપ ઝલપ તોય કરવી મુલાકાતો,
સમયની ટીકટીકને ઘડીભર થંભાવી દઈએ,
નવા વર્ષમા સારાં -માઠાં હાલ જાણી લઈએ.
ખાટા મીઠા સંબંધોમાં વ્હાલ વાવી દઈએ.
ડૉ સેજલ દેસાઈ,
સુરત
-