નક્કી નથી મંજીલ તોય એ ભટકતું નથી,
બંજર ધરા પર વાદળ કદી વરસતું નથી.
વિજળી વિના હૃદય એનું ધબકતું નથી,
અકારણ કોઈ વાદળ કદી ગરજતું નથી.
ખુદને ખોઈ આપે છે જળ જીવન કાજ,
કે જાણે છે એનાં વિના કશું મહેકતું નથી.
પરોપકાર નહી તો બીજું શું માનવું આને,
વાદળને પકડીને તો કોઈ નીચોવતું નથી.
બદલે છે નિત-નવા ને કેવા-કેવા એ રંગ,
નીરમાં ખુદની છાપ કિંતુ એ છોડતું નથી.-
સમાધિમાં બેઠો છું પણ ધ્યાન નથી લાગતું,
ને ધ્યાન લાગે આજે એવું હવામાન નથી લાગતું.
વિચલિત કરે છે મુજને ખુદ મારાં જ વિચારો,
ખુદની જોડે લડું પણ એ સમાધાન નથી લાગતું.-
વીંધે છે તીરથી તો કોઈ શબ્દોથી ચિરે છે,
નબળાં માણસને લોકો ભેગાં થઈને ઘેરે છે.
પણ ચેતજો સાહેબ એક જૂની કહેવત છે,
ભોળાના ભગવાન છે એટલે એની ભેરે છે.-
થઈ જાય પ્રેમ તો એકલાં કેમ રે રે'વાય,
ને દિલની વાત બધાની વચ્ચે કેમ રે કે'વાય.
જોઈને આવે છે હવે તો કાંટાને અદેખાઈ,
નિકટતા એમની ગુલની સાથે કેમ રે સે'વાય.-
માણસ માણસ વચ્ચે, તું ભેદભાવ ન કર,
ને રૂઝાય નહિ કદી, એવાં કોઈ ઘાવ ન કર.
ન થઈ શકે જો વધું તારાથી, કર એટલું કે,
ડંખે ગરીબને, એવાં કોઈ હાવભાવ ન કર.-
કોઈને શાયરી શબ્દોની સજાવટ લાગે છે,
ને કોઈને એ લાગણીની બનાવટ લાગે છે.
શાયરને નહી પૂછો શાયારીને શું લાગે છે?
શાયરીને શાયર બન્નેની મિલાવટ લાગે છે.-
ભળે છે બધીજ નદીઓ, છતાં એ ધરાતો નથી,
વરસાદનાં પાણીથી, કદી સાગર ભરાતો નથી.
છે શિસ્ત, સમન્વય, ને સંતુલન માટે સુકાતો નથી,
દરિયા જેવો દરિયો ભરતી વિના ઉભરાતો નથી.-