Raksha Shah   (© રક્ષા શાહ "હેલી")
323 Followers · 155 Following

read more
Joined 19 April 2019


read more
Joined 19 April 2019
12 OCT 2022 AT 13:19

એવું નથી કે યાદ નથી!
બસ હવે કોઈ ચાહ નથી.

આ મૌન સાથે ફાવશે કે કેમ?
પણ કહી શકું એવી વાત નથી.

લખી છે કવિતા દિવસો પછી,
કારણ એનું કોઈ ખાસ નથી.

તલાશમાં આ તરફ કોણ આવશે!
મીરાંની હવે કોઈને રાહ નથી.

માટે સ્મિતનો સહારો લીધો "હેલી",
આંસુમાં જોવે એવી ધાર નથી.

-


7 APR 2022 AT 21:36

આયનાને ગેર સમજણ થઈ હશે?
કે પછી સુંદરતા પગભર થઈ હશે!

છે જો પાણીદાર આંખો કેટલી!
આંસુની લાગે છે બરકત થઈ હશે!

છેક સુધી જે ન થઈ આબાદ એ,
સૌ ખુશીઓ મારી સદગત થઈ હશે?

નહોતું કઈ મંજૂર તૂટવું એને પણ,
શી હદે સોગંદ પરવશ થઈ હશે!

વેચવા કાઢ્યા છે ઓછી કિંમતે,
સ્વપ્નની નિલામી પરથમ થઈ હશે!

મેં કરી આહો ભગત સૌની અહીં,
એટલે દુઃખોને હસરત થઈ હશે?

વાંક "હેલી"નો જ કાયમ હોય શું?
ભૂલ ઈશ્વરથીય અઢળક થઈ હશે!

-


14 MAR 2022 AT 11:23

મળ્યું આકાશ તો મનગમતું પણ ઊડી શકાયું નહિ,
પતંગિયાથી ફૂલોને મૂકી ઊંચે જવાયુ નહિ!

ઘણાં જોયા છે એવા દાખલા સાચી મહોબતનાં,
પ્રણય હોવા છતાં જ્યાં એકબીજાના થવાયું નહિ!

વધારે લાગણી સારી નથી પ્હેલાં જ ચેતીજા,
ગુલોના કંટકોને માન કોઈદી અપાયું નહિ.

કે છેલ્લા શ્વાસ સુધી છે કરી કોશિશ સદા એણે,
છતાંયે દીવડાથી જો પવન સામું લડાયું નહિ.

જીવનનો થાક તો સૌને અહીંયાં ખૂબ લાગે છે,
આ સૂરજથી ય સંધ્યા બાદ થોડું પણ જગાયું નહિ!

દુઃખોની મેં બધી યાદીને શણગારી છે એ રીતે,
ગઝલ લખતા કલમથી એટલે ખોટુય હસાયું નહિ.

બધાને આપ્યું છે તો થયું મને પણ આપશે નક્કી,
પરંતુ ભાથું જસનું હાથ જોડીને મગાયું નહિ.

ઉભી છું જે સભામાં એ તો છે મારા જ મિત્રોની,
પરંતુ આ સ્વપ્ન સાથે ત્યાં બહુ લાંબુ જીવાયું નહિ!

એ તારો ભ્રમ છે"હેલી"કે સૌને એ ઉગારે છે,
મરણ કોઇનું અહીં ભગવાનથી પણ જો ટળાયુ નહિ!

-


23 FEB 2022 AT 10:25

હતો અવસર રુદનનો તોય એ હસતી હતી કેવી,
છબી મારી સભાને ખૂબ ત્યાં ગમતી હતી કેવી!

ને આપ્યું ભેટમાં અણમોલ નઝરાણું જતી વેળા,
કે યાદો પાંપણે મોતી બની સજતી હતી કેવી!

મળી છે ઊંઘ આંખોને ઘણા દિવસો પછી આજે,
નહીંતર સ્વપ્ન પાછળ જાગરણ કરતી હતી કેવી!

ગવાહી આપશે ગઝલો જરા વાંચો તો ફુરસદમાં,
મહોબતની બધી કસમોને હું રટતી હતી કેવી!

બધાં જોનારની આંખો અચાનક એમ ચોંકી ગઈ,
નનામી કંકુ ને ફૂલોથી ઝળહળતી હતી કેવી!

કમાણી જિંદગીભરની નજર સામે જુઓ આવી,
કમી મારી ખચોખચ ભીડને ખલતી હતી કેવી.

તપાસી લ્યો,કફન ઊંચું કરી શક હોય જો તમને,
ખરેખર હાથની રેખા મને ઠગતી હતી કેવી!— % &

-


19 FEB 2022 AT 8:01

ઉદાસી,નિરાશા,દરદ ને વ્યથાઓ,
અહેશાન છે આ વહાલા બધાનો.

હતા સાચવેલા કટાઈ ગયા લ્યો,
કુંવારી મહોબતના સુંદર વિચારો.

ઘણા સ્વપ્ન હાથે કરીને દુઃખી થ્યા,
અધૂરા ફળ્યા જે, શું આપુ દિલાસો!

કે સાક્ષી રહ્યાં છે સ્વયં કૃષ્ણ પણ ત્યાં,
જમાનો નહીં થાય કો' દી મીરાનો!

વર્ષો બાદ થઈ વાત આજે નિરાંતે,
છતાં ત્યાં જ ઊભા છે જૂના સવાલો!

છું વ્હેવારું ને લાગણીશીલ ખુબજ,
તે માટે છે આંસુનો લોહી ઉકાળો?

જગતને ખબર છે પ્રણયમાં છે "હેલી",
નસીબે ગઈકાલ માંગ્યો પુરાવો!— % &

-


11 FEB 2022 AT 0:49

ગઝલમાં કવનમાં કસક પ્રેમની છે.
નયનની નમી પણ જણસ પ્રેમની છે.

છુપી પાનખરમાં નજર પ્રેમની છે,
કે યાદોના પગલાં મજલ પ્રેમની છે.

નદીના કિનારા સમજ પ્રેમની છે.
સમયની પરીક્ષા રસમ પ્રેમની છે.

કિતાબોના પાને કસમ પ્રેમની છે,
ખુશીનેય અહિયાં ગરજ પ્રેમની છે.

નડી કૃષ્ણને જે ફરજ પ્રેમની છે,
વળી રાધિકાને તરસ પ્રેમની છે.

એ મીરાંની ભક્તિ ઉપજ પ્રેમની છે,
કથા શું અહીં કો' સફળ પ્રેમની છે?

જ્યાં ખીલ્યા છે ફૂલો કબર પ્રેમની છે.
થૈ ઘેલી આ "હેલી" અસર પ્રેમની છે.— % &

-


8 FEB 2022 AT 12:15

મીરાં,
પ્રણયમાં અવ્વલ દરજ્જાની ડીગ્રી છે.
તો કહો હવે..
શું હું અભણ કહેવાઉં?— % &

-


7 FEB 2022 AT 20:20

ગમે શૃંગાર સૌને જ્યાં દિલે ત્યાં સાદગી જોઈ,
પ્રણય પગલાં, શુકનવંતા કહ્યાં જ્યાં વાંસળી જોઈ.

શરમ નેવે બધી મૂકી એ ખુલ્લેઆમ સ્પર્શે છે,
તમારા ગાલ પર આજે હવાની લાગણી જોઈ!

ચલાવ્યું કામ જીવનભર સિતારાઓ નિહાળીને,
નજરમાં આપની પ્રત્યક્ષ નમણી ચાંદની જોઈ.

મધૂરી કેમ લાગે છે અગન ચાહતની આ દિલને!
કહે સૌ" હૂબહૂ મીરાં જ જેવી બાવરી જોઈ."

મિલન થાવું નહીં થાવું,બધી સંજોગની વાતો,
મળી તમને મેં ખુદમાં એક નૂતન જિંદગી જોઈ.

મને છોડીને મહેફિલમાં બધાંએ જામ પીધો છે,
નશામાં ચૂર થઇ હું જ્યાં તમારી હાજરી જોઈ.

કહે નાસ્તિક "હેલી"ને, એ લોકો શું ભલા જાણે?
મહોબતમાં અમે કાયમ ખુદાની બંદગી જોઈ.— % &

-


5 FEB 2022 AT 11:15

.સરસ્વતી સ્તવના...
જ્ઞાનની વિભૂતિને ભાષાનો મુગુટ પહેરાવ્યો,
વાણીના કળશથી ભાવનો અભિષેક કર્યો,
કલ્પનાનું તિલક ને શબ્દોના કાજળથી,
કાવ્ય રુપે મા વીણાવાદિનીનો શૃંગાર કર્યો.

શ્વેત કાગળને છંદોના સુમનથી મહેકાવ્યો,
સિતારના ટેરવે શાહીનો ખડિયો છે ઢોળ્યો,
કમળની પીંછીથી વિચારોનું સરોવર ચીતરી,
ગઝલ રુપે મા હંસવાહિનીનો ચિતાર કર્યો.

હાઈકુની કોતરણીનો બાજોટ મઢાવ્યો,
વિશેષણોના અલંકારોનો થાળ છે ધર્યો,
મુક્તકનો સ્વસ્તિક ને સોનેટનો ૐ લખી,
શ્લોક રુપે મા સરસ્વતીનો સત્કાર કર્યો.

પ્રથમ યાકુંદે ને દૂજે મા લક્ષ્મીને સૌ દ્યાવો,
આશિષમાં સમ્યક્ જ્ઞાનનો દેજો ખજાનો,
સાહિત્યનું સદાય પીને પંચામૃત પ્રસાદમાં,
ગીત રુપે મા શારદાનો જયકાર કર્યો.— % &

-


1 FEB 2022 AT 16:09

દાવ કેવો જો રમી ગ્યો કાળ ત્યાં.
આંસુએ પાડી છે મોટી ધાડ ત્યાં.

લાગણીના ઢોંગની છે આવડત,
પ્રેમથી આપે હૃદયને ગાળ ત્યાં.

ભોંયરામાં બંધ છે સૂરજ જુઓ,
રાતના કાને પડે ક્યાં રાડ ત્યાં.

એકલી ફરિયાદ ફૂલોની નથી,
છે હવા પર બાગનું પણ આળ ત્યાં.

નિતનવા શાને ધતિંગો એ કરે?
રોજ કિસ્મત પાથરે છે જાળ ત્યાં.

આપણી વચ્ચે છે અંતર આટલું,
તે ચણી છે શ્વાસોની જે પાળ ત્યાં.

જ્યાં ઉપાડે હાથમાં "હેલી" કલમ,
ને પડે છે કાગળોને ફાળ ત્યાં.— % &

-


Fetching Raksha Shah Quotes